પવિત્ર યાત્રાધામ બેટ – દ્વારકા વિશે
સ્થાપત્ય ઇતિહાસ :
બેટ – દ્વારકા એ અતિ પ્રાચિન રમણીય ચંદ્રાકાર ટાપુ છે. ભગવાન શ્રી કૃષ્ણએ શંખ નામના રાક્ષસનો અહિયાં ઉધ્ધાર કરેલ શંખોધ્ધાર તરીકે પણ ઓળખાય છે. બેટ – દ્વારકા હિન્દુ, મુસ્લીમ તથા શિખના પવિત્ર યાત્રાધામ તરીકે વધારે ઓળખાય છે. ઓખાથી બેટ – દ્વારકા ત્રણ નોટીકલ માઇલનાં અંતરે છે અને યાંત્રીક વહાણમાં ઓખા પેસેન્જર જેટી થી પવિત્ર યાત્રાધામ બેટ – દ્વારકા પહોંચી શકાય છે. જેમ દ્વારકાનગરી ભગવાન શ્રી દ્વારકાધીશની રાજધાની કહેવાય છે તેમ બેટ – દ્વારકા ભગવાન શ્રી દ્વારકાધીશનો રાણીવાસ અથવા નિવાસસ્થાન તરીકે ઓળવામાં આવે છે. શીખ સંપ્રદાયનાં પંજપ્યારે માહેંના ભાઇ મોહકમસિંઘની ભવ્ય ગુરૂદ્વારા પણ આવેલ છે.
ભૌગોલીક મહત્વ:
બેટ – દ્વારકાને પવિત્ર યાત્રાધામ દ્વારકાનો એક ભાગ જ ગણવામાં આવે છે. બેટ – દ્વારકા સમુદ્રથી ઘેરાયેલ ટાપુ હોવાથી રસ્તા માર્ગે તથા રેલ માર્ગે ઓખા પહોંચીને યાંત્રીક હોડીમાં બેટ – દ્વારકા જઇ શકાય છે. ભગવાન શ્રી કૃષ્ણએજે સમયે દ્વારકા રાજધાની વસાવી તે જ સમયે બેટ – દ્વારકા નુ સ્થાપન થયું તેમ માનવામાં આવે છે. બેટ – દ્વારકામાં અનેક સંપ્રદાયોનાં તીર્થસ્થાનો આવેલ છે.
બેટ – દ્વારકામાં વિશ્વમાં જવલ્લેજ જોવા મળતી શ્રી રામ ભકત હનુમાનજી તથા મકરધ્વજની મૂર્તિ બેટ ગામથી ૮ કી.મી. નાં અંતરે હનુમાનદાંડી સ્થળે પ્રસ્થાપીત થયેલી છે. હનુમાનદાંડી થી આગળ જતાં સિધ્ધયોગી દ્વારા પ્રસ્થાપીત ચોર્યાશીધૃણા આવેલ છે જયાં અખંદ ધૃણા રાખવામાં આવેલી છે. મુસ્લીમોનાં તીર્થ સમા હાજી કિસ્માણીની દરગાહ આવેલી છે. જયાં મુસ્લીમો દુવા – માનતા પુરી કરવા માટે આવે છે. આ ઉપરાંત શીખ ધર્મનાં જે પંજ પ્યારે થઇ ગયા તે માંહેના ભાઇશ્રી મોહકમસિંધજીની ભવ્ય ગુરૂદ્વારા આવેલી છે. બેટ – દ્વારકામાં હિન્દુ, મુસ્લીમ તથા શીખ ધર્મના આસ્થાળુઓ દેશ –વિદેશથી અહિંયા પોતાની પોતાની દુવા – માનતા પુરી કરવાં અને માથુ ટેકવા માટે આવે છે.
આ ઉપરાંત બેટ – દ્વારકામાં શંખ તળાવ, પદમતીર્થ, અભ્યાયમાતાનું મંદિર, નિલકંઠ મહાદેવ અને અનેક નાના-મોટા ધર્મસ્થળો આવેલ છે.
ઔધોગીક મહત્વ :
બેટ – દ્વારકા ટાપુ હોવાથી અહિંયા ઉધોગો નો વિકાસ થયેલ નથી પરંતુ બેટ – દ્વારકા એક પવિત્ર યાત્રા ધામ હોવાથી સ્થાનીક પ્રજા યાત્રાળુની સેવા પર આજીવિકા ઉપર આધારીત છે. બેટ – દ્વારકાનાં મંદિરનો વહિવટ બેટ – દેવસ્થાન સમીતી હસ્તક છે. બેટ – દ્વારકામાં યાત્રામાં આવતાં યાત્રીઓને દરરોજ બપોરે નિજ – મંદિર પાછળ નિ:શુલ્ક ભોજન આપવામાં આવે છે. બેટ – ટાપુની નજીક દરીયાઇજીવા- સુષ્ટિ તથા દરીયાઇ વનસ્પતીજોવા મળે છે. જો જોવા માટે મુખ્યત્વે નેચર કલ્બનાં કેમ્પ નુ આયોજન કરવામાં આવે છે.
ખેતી :
સારો વરસાદ થયો હોય ત્યારે એક પાક લિ શકાય છે. મુખ્યત્વે ઘઉં, બાજરો ઉગાડવામાં આવે છે. ટાપુ વિસ્તાર નાનો હોવાથી ખેતી પ્રમાણમાં અલ્પ છે.
વાહન વ્યવહાર:
બેટ – દ્વારકા જવા માટે ઓખા ગામ રેલ્વે અથવા વાહનમાર્ગે આવવાં જવામાં આવે છે. પરંતુ બેટ – દ્વારકામાં દુર-દુરના ધર્મસ્થાનો એ દર્શન કરવાં જવા માટે છક્ડા રીક્ષા ભાડે મળે છે.
વસ્તી :
બેટ – દ્વારકામાં રાજપૂતો, ખવાસ, ખારવ, રબારી અને મુસ્લીમ જેવી અનેક વસ્તી અહિં જોવા મળે છે. ૨૦૧૧ પ્રમાણે ૮૦૦૦ ની વસ્તી અંદાજવામાં આવેલ છે.
શૈક્ષણીક સંસ્થા :
બેટ – દ્વારકામાં ટ્રસ્ટ સંચાલીત પ્રાથમીક શાળા, દેવસ્થાન સમીતી સંચાલીત વેદ વિદ્યાલય આવેલ છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ ઓખા તથા કોલેજ માટે દ્વારકા જવું પડે છે.
આરોગ્ય :
બેટ – દ્વારકામાં સરકારી પી.એચ.સી. છે જયાં પ્રારંભીક સારવાર ઉપલ્બ્ધ છે.